Wednesday 13 June 2012

પ્રાથમિક શાળાઓમાં મુખ્યશિક્ષકની ભરતી

ધોરણ ૧૦ અને ૧૨ નું પરિણામ

ધોરણ ૧૦ અને ૧૨ નું પરિણામ  જોવા માટે અહીં ક્લિક કરો

સ્વામી વિવેકાનંદ


આદર્શ માનવનું નિર્માણ સ્વામી વિવેકાનંદ


[1] ભૂલો અને નિષ્ફળતાઓ એ છૂપા દૈવી ભોમિયા છે
આપણું સંચાલન બળ આપણા વિચારો જ છે. મનમાં શ્રેષ્ઠ વિચારોને અપનાવો. રાતદિવસ એવા ઉત્તમ વિચારો જ સાંભળો અને કાયમ એનું મનન કરો. નિષ્ફળતાની ચિંતા કરો નહીં. એ તો સ્વાભાવિક છે. નિષ્ફળતા જીવનની શોભા છે. એના વગર જીવનમાં શું મજા ? જો જીવનમાં સંઘર્ષો ન આવે તો જીવન ફિક્કું લાગે. એના સિવાય જીવન કાવ્યમય ક્યાંથી થાય ? ભૂલ થાય તો પરવા નહીં. મેં હજી ગાયને જૂઠું બોલતાં સાંભળી નથી. પણ એ તો ગાય છે, માણસ નથી. માટે આવી નિષ્ફળતાઓના પ્રસંગો સાંપડે તો મૂંઝાવું નહીં. તમારો આદર્શ હજારો વાર ફરી ફરી લક્ષમાં રાખો અને ભલે હજાર વાર નિષ્ફળ પામો, તોય ફરી એક વાર પ્રયત્ન કરો.
સંપૂર્ણ રીતે ખરાબ હોય એવું કશું જ ન હોય. ઈશ્વરની જેમ જ શયતાનને પણ સ્થાન છે. એમ ન હોય તો અનિષ્ટ ક્યાંથી સંભવે ? એ જ રીતે આપણી ભૂલોને પણ સ્થાન છે. તમને એમ જણાય કે તમારી કાંઈ ભૂલ થઈ છે, તો પાછું વાળીને જુઓ નહીં, આગળ વધો ! શું તમને નથી લાગતું કે તમે આજે જે કાંઈ છો તે પાછળની ભૂલોના અનુભવ વગર બની શક્યા હોત ? તો પછી તમારી ભૂલોને વધાવી લો. એ તો તમારા માટે જાણે દૈવી માર્ગદર્શક હતી. દુ:ખ પણ વધાવી લો, સુખ પણ ભલે પધારે. તમારી શી પરિસ્થિતિ થાય છે તેની પરવા ન કરો. આદર્શને પકડી રાખો. આગેકદમ ! નાની નાની બાબતો, નિષ્ફળતાઓને ભૂલોને ગણકારો નહીં. આપણા જીવનરૂપી યુદ્ધના મેદાનમાં ભૂલોની ડમરી ઊડવાની જ. જે લોકો એટલા બધા નાજુક, કાયર હોય કે આ ડમરી સહન ન કરી શકે, તો એમને આપણી હરોળમાંથી તગડી મૂકો.

[2] તમારા દૈવી અંશને ઓળખો
એક વાર હું હિમાલયમાં ફરતો હતો અને અમારી સામે લાંબો રસ્તો પડ્યો હતો. અમે રહ્યા સાધુઓ. એટલે અમારે ચાલીને જ જવું પડે. અમને ઊંચકનાર કોણ મળે ? અમારી સાથે એક વૃદ્ધ સાધુ પણ હતા. આ લાંબો રસ્તો તો માઈલો સુધી ઉતાર-ચઢાણવાળો છે. પેલા વૃદ્ધ સાધુએ આ જોયું ને કહ્યું : મહારાજ ! આ કેમ પાર થશે ? હું તો એક ડગલું પણ આગળ ચાલી શકું તેમ નથી. મારી છાતી ફાટી જશે.એટલે મેં કહ્યું : જરાક તમારા પગ તળે જુઓ.એમણે નીચે જોયું એટલે મેં કહ્યું : જે રસ્તો નીચે છે એ તો તમે પાર કરી ચૂક્યા છો ને ! તમારી આગળ એ જ રસ્તો પડ્યો છે. ચાલવા માંડો એટલે એ રસ્તો પણ કપાઈ જશે.દુનિયાની મહાનમાં મહાન વસ્તુ તમારા પગમાં છે. કારણ કે તમે તો દૈવી સિતારા છો. એટલે બધું જ તમારા કાબૂમાં છે. અરે તમે ધારો તો મુઠ્ઠી ભરીને તારાઓ પણ ઓહિયાં કરી જાઓ એવું તમારું ખરું સ્વરૂપ છે. બળવાન બનો. વહેમને ફગાવી દો. સ્વતંત્ર, બંધનમુક્ત થઈ જાઓ.
[3] દરેક કાર્ય આનંદથી અપનાવો
જે માણસ પોતાની નાની નાની મુશ્કેલીઓ બાબત કકળાટ કરે છે તે બધી જ બાબતોમાં રોદણાં રોયા જ કરશે. આમ જ કાયમ રોદણાં રોનારનું જીવન દુ:ખથી ભરાઈ જાય છે; દરેક કામમાં નિષ્ફળતા જ સાંપડશે. પણ જે માણસ પોતાની ફરજ બજાવતો આગળ વધે છે, સ્વાશ્રયી બને છે, તેનો પંથ ઉજ્જ્વળ બનશે અને વધારે શ્રેષ્ઠ કાર્યો કરવા ભાગ્યશાળી બનશે. જે માણસ કામના પરિણામ તરફ નજર રાખી બેઠો છે એ તો પોતાને જે કામ સોંપ્યું છે તેની ફરિયાદ કર્યા જ કરશે. પણ જે માણસ નિ:સ્પૃહી છે એને તો બધાં જ કાર્ય સરખાં જ લાગે છે. અને એવો માણસ દરેક કાર્યને પોતાનામાં રહેલા સ્વાર્થ-વાસના ઈત્યાદિ દુર્ગુણોને હણવાનું હથિયાર બનાવી પોતાના આત્મા માટે મોક્ષનું સાધન બનાવે છે.
જે કચકચિયો છે એને તો બધાં જ કામ અણગમતાં જ લાગે છે, એને શેમાંય સંતોષ નથી દેખાતો; એનું આખુંયે જીવન એક નિષ્ફળતા જ બની રહે છે. આપણે કામ કરતા રહીએ, જે ફરજ આપણે માથે આવે તે બજાવતા જઈએ અને હંમેશાં આપણો સહકાર આપવા તત્પર રહીએ તો પછી જરૂર આપણને પ્રકાશ સાંપડશે. કોઈ કામ નાનું નથી. મોટામાં મોટો મૂર્ખ માનવી પણ પોતાને મનગમતું કામ હોય તો પાર પાડી શકે છે. પણ ખરો બુદ્ધિશાળી માણસ તો એ છે કે દરેક કામને પોતાને મનગમતું બનાવી લે છે. આ દુનિયામાં દરેક કામ વડનાં બી જેવું છે. એ બીજ સાવ નાનું હોય છે, છતાં એમાં આખો વડ સમાયેલ છે. જે માણસ આ વાત સમજે છે એ જ ખરેખર બુદ્ધિશાળી છે. અને આવો માણસ દરેક કામને ખરેખર મહાન કરી બતાવે છે.
[4] બીજાનો દોષ કાઢો નહીં, તમારી જાતને જ તપાસો
આપણે એ સમજવું જ જોઈએ કે જ્યાં સુધી કોઈ બાબતની અસર થવા યોગ્ય ભૂમિકા આપણે આપીએ નહીં, ત્યાં સુધી એની અસર થાય જ નહીં. જ્યાં સુધી મારું શરીર રોગને અપનાવવા જેવી હાલતમાં ન હોય ત્યાં સુધી મને રોગ અડકી શકે જ નહીં. રોગ કાંઈ અમુક કીટાણુઓથી જ થાય છે એવું નથી. પણ રોગ થવા માટે શરીરમાં અમુક પ્રકારની પૂર્વતૈયારી થાય તો જ રોગ આવે. જે વસ્તુ માટે લાયક હોઈએ તે જ આપણને આવી મળે છે. અભિમાન છોડીને આપણે સમજવું પડશે કે જે મુશ્કેલીઓ આવી પડે છે તે આપણે જ વાવેલી હોય છે. અયોગ્ય ઘા કદી પડતો જ નથી. એવું એકેય અનિષ્ટ નથી કે જે મારે પોતાને હાથે વાગ્યું ન હોય, આ સમજવાની જરૂર છે.
પોતાની જાતનું અવલોકન કરો તો જણાશે કે જે જે ફટકા તમને પડે છે એનું નિમિત્ત પણ તમે પોતે જ છો. અર્ધું અનિષ્ટ તમે જ પેદા કર્યું. સમાજે બાકીનું પૂરું કરી દીધું અને એ ફટકારૂપે આવી પડ્યું ! આ સમજાશે ત્યારે જ આપણે કંઈક ઠંડા પડશું અને સાથોસાથ આ અવલોકનના પરિણામે આશાનું કિરણ ઝળકશે; એ આશાનું કિરણ એ સમજ છે કે બહારની દુનિયા ઉપર મારો કશો જ કાબૂ નથી. પણ જે મારી અંદર છે, મારી પોતાની વિચારસૃષ્ટિ છે એના ઉપર તો મારો કાબૂ છે. નિષ્ફળતા નિપજાવવા માટે બાહ્ય જગત અને હું એમ બેય જવાબદાર હોઈએ, મને ફટકો મારવામાં આ બંનેની સહિયારી જવાબદારી હોય, પછી હું મારા તરફથી તો કશો જ ભાગ આ ક્રિયામાં ભજવું નહીં તો ફટકો કેવી રીતે ઉદ્દભવે ? જો હું મારી જાત ઉપર ખરેખરો કાબૂ મેળવી શકું તો મારા ઉપર ઘા પડી શકે જ નહીં.
માટે તમારી નિષ્ફળતા માટે બીજાને દોષિત ઠરાવો નહીં, તમે ઊભા થઈ તમારી જાત ઉપર જ આ જવાબદારી લાદો. તમે કહો કે આ જે દુ:ખ હું પામી રહ્યો છું એનો સર્જક હું પોતે જ છું અને એથી સાબિત થાય છે કે એનો નિકાલ મારે પોતે જ કરવાનો છે.જે મેં નિર્માણ કર્યું છે તે હું ભાંગી શકું છું પણ જે બીજાએ બનાવ્યું છે તે તોડી શકું નહીં. માટે ઊભા થાઓ, મર્દ બનો, મજબૂત બનો. બધી જ જવાબદારી તમારે શિરે લઈ લો; સમજો કે તમારા પ્રારબ્ધનું ઘડતર ઘડનાર તમે પોતે જ છો. માટે તમે પોતે જ તમારા ભાવિનું નિર્માણ કરો. જે બની ગયું તે બની ગયું. એ ભૂતકાળને ભૂલી જાવ. તમારી સામે અનંત ભાવિ પડ્યું છે. તમારે સદાય યાદ રાખવું કે દરેક શબ્દ, દરેક વિચાર અને દરેક કાર્ય તમારા માટે એક ભંડાર સર્જી રહે છે. જેમ ખરાબ વિચાર અને ખરાબ કર્મો તમારી ઉપર વાઘની માફક તરાપ મારવા તૈયાર જ રહે છે તેવી જ રીતે સારા વિચારો, સારાં કાર્યો હજારો ફિરસ્તાઓની શક્તિથી તમારું રક્ષણ કરવા સદાય તૈયાર ઊભાં છે.
[5] શ્રેષ્ઠ ચારિત્ર્ય કેવી રીતે ઘડવું
માણસ જાણે કે એક કેન્દ્ર છે અને સમગ્ર સૃષ્ટિની શક્તિઓ પોતાના તરફ આકર્ષે છે. આ કેન્દ્રમાં એનો સમન્વય કરી ફરી પાછી એ શક્તિના સ્ત્રોત વહાવે છે. સારું-ખરાબ, સુખ-દુ:ખ આ બધું માનવકેન્દ્ર તરફ ઘસડાઈ આવે છે. એને વીંટળાઈ વળે છે. એમાંથી જ એ ચારિત્ર્યનો મહાન પ્રવાહ યોજે છે તેમ જ બહાર વહાવે છે. જેમ એનામાં કોઈ પણ શક્તિનું આકર્ષણ કરવાની તાકાત છે તે જ રીતે શક્તિનું વિતરણ કરવાની ક્ષમતા પણ એનામાં છે. જો કોઈ માણસ હંમેશાં ખરાબ શબ્દો જ સાંભળે, ખરાબ વિચારો કર્યા કરે, તો એના મનમાં ખરાબ સંસ્કારો એકઠા થશે અને એને ખબર પણ ન પડે એવી રીતે એના વિચારો અને કામ ઉપર એ સંસ્કારો ખરાબ અસર કરશે. ખરું તો એ છે કે આ ખરાબ સંસ્કારો હંમેશાં કામ કરતા જ રહે છે ને એનું પરિણામ પણ ખરાબ જ આવે, અને એ માણસ પણ ખરાબ બની રહે. એમાં એનું કંઈ ન ચાલે. આ કુસંસ્કારોનો સરવાળો એના મનમાં દુષ્કૃત્યો કરવાની જોરદાર શક્તિ પેદા કરી એવી જ પ્રેરણા આપશે. આવા કુસંસ્કારોનું એ યંત્ર બની રહેશે અને એ કુસંસ્કારો એને ખરાબ કામ કરવાની ફરજ પાડશે.
આવી જ રીતે જો માણસ સદવિચારોનું સેવન કરે અને સારાં કૃત્યો કરે, તો ફળસ્વરૂપે એના મનમાં સારા સંસ્કારો અંકિત થશે. એ સુસંસ્કારો એ જ રીતે એનાથી ઉપરવટ થઈને પણ એના હાથે સત્કર્મો જ કરાવશે. જ્યારે એક માણસે ખૂબ જ સત્કર્મો કર્યા હોય, ખૂબ જ સદવિચારો સેવ્યા હોય, ત્યારે એનામાં એનાથી ઉપરવટ જઈને પણ સારાં કામ કરવાનું અસાધારણ વલણ ઉત્પન્ન થશે. એ કદાચ હલકું કામ કરવા ધારે તોયે એના મનમાં સારા સંસ્કારોનો એટલો જથ્થો હશે કે જે એને ખરાબ કામ કરવા જ નહીં દે; એના સંસ્કારો જ એને રોકશે. કારણ કે એ માણસ સુસંસ્કારોના સંપૂર્ણ કાબૂમાં છે. જ્યારે આમ બને ત્યારે કહેવાય કે એવા માણસનું સદચારિત્ર્ય દઢ થયું છે. એક માણસ પિયાનો બજાવવા માંડે ત્યારે પ્રથમ બરાબર ધ્યાન રાખી એક એક પાસો દબાવે. પછી આમ વારંવાર કર્યા કરવાથી એનેય ટેવ પડી જાય. પછી તો કોઈ પણ સૂરાવલિ સરળતાથી બજાવી શકે છે. એક એક પાસો દબાવવા તરફ ધ્યાન દેવું જ પડતું નથી. એ જ પ્રમાણે આપણા જીવનમાં આપણે જે જાતની વૃત્તિઓ રાખીએ છીએ તે આપણા ભૂતકાળના સભાનતાથી કરાયેલા પ્રયાસનું ફળ છે.

મા તે મા બીજા બધા વનવગડાના વા


મા એ તો તું અત્યારે છો જ, પરંતુ ગૃહિણી કે માની સાથે સાથે અન્ય કંઈ બનવાનું તું કેમ નથી વિચારતી ?”
ન્યૂયોર્ક બેસ્ટ સેલરમાં સામેલ થતાં એક પુસ્તકમાંથી વાંચેલો એક પ્રસંગ મને ખૂબ જ હૃદયસ્પર્શી અને પ્રેરણાસ્પદ લાગ્યો. કેરિયરને મહત્ત્વ આપવું કે, પરિવારને પ્રાથમિકતા આપવી આવી અવઢવમાં ફસાયેલ પોતાના અસ્તિત્વની સમાજને અનુભૂતિ કરાવવા મથતી ભારતની યુવા સખીઓને ચોક્કસ આ વાર્તામાંથી સંદેશ મળશે.
રાત્રીના સમયે બાળકો માટે પથારી તૈયાર કરી રહેલ એક માતાને અચાનક જ બહુ સહજતાથી તેની સાત-આઠ વર્ષની બાળકીએ પ્રશ્ન કર્યો કે, મા તમે મોટા થઈને શું બનવાનું પસંદ કરશો ? મા ને લાગ્યું કે, બાળક રમતમાં જ પ્રશ્ન કરે છે તેથી તેણે જવાબ પણ એટલી જ સહજતાથી આપ્યો કે, “હું મોટી થઈને મા બનવાનું પસંદ કરીશ.બાળકે મક્કમતાથી કહ્યું કે, મા તો તું અત્યારે છો જ બીજું શું બનવું છે તારે ? બાર-તેર વર્ષના સફળ લગ્નજીવન બાદ અચાનક જ આવા પ્રશ્નનો જવાબ શોધવો મા માટે થોડો મુશ્કેલ હતો. લગ્ન બાદ તેણે પોતાના વિશે અલગથી તો ક્યારેય વિચાર્યું જ ન હતું, પરંતુ હવે મા એ બાળકીના પ્રશ્નને જરા ગંભીરતાથી લઈ વિચાર કરીને જવાબ આપ્યો કે, “હું મોટી થઈને ગૃહિણી બનવાનું પસંદ કરીશ.
બાળકીએ નિરાશા સાથે ફરી પ્રશ્ન કર્યો કે, “મા એ તો તું અત્યારે છો જ, પરંતુ ગૃહિણી કે માની સાથે સાથે અન્ય કંઈ બનવાનું તું કેમ નથી વિચારતી ?” બાળકીએ સહજ રીતે કરેલ આ ટકોર કે પ્રશ્નએ તે મહિલાની વિચાર કરવાની પદ્ધતિ એક સ્ત્રી તરીકે પોતાના તરફના તેના વલણમાં સંપૂર્ણપણે પરિવર્તન લાવી દીધું.
વાર્તાની લેખિકા કહે છે કે, “જીવનમાં પહેલી વાર મને અનુભવ થયો કે એક મા કે ગૃહિણીની સાથે સાથે મારું પોતાનું એક અલગ અસ્તિત્વ હોઈ શકે. આ બધી જવાબદારીઓની સાથે સાથે પણ હું અન્ય કંઈક બનવા વિશે વિચારી શકું, ઘર પરિવારની જવાબદારી એટલે પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વનો અંત એવું નથી એવો અહેસાસ મને પહેલી વખત થયો.
સખીઓ આપણા દરેકના જીવનમાં આ સમસ્યા ક્યારેક ને ક્યારેક આવે છે. આપણો સમાજ હાલ સામાજિક પરિવર્તનના એક અલગ જ મકામ પર આવીને ઊભો છે. આજની યુવતીઓને બહુ દૃઢપણે એવું લાગે છે કે, જો હું લગ્નના બંધનમાં બંધાઈશ તો આટલી મહેનત અને સંઘર્ષ પછી કારકિર્દીના જે મકામ પર હું ઊભી છું તે રોળાઈ જશે.
સામે પક્ષે સમાજમાં એક બહુ મોટો વર્ગ દૃઢપણે આજે પણ એવું માને છે કે, સ્ત્રીઓએ ઘર પરિવાર અને રસોઈથી આગળ વિચારવાનું જ શું હોય ? સ્ત્રીઓ જો ઘરની બહાર નીકળી તો સમાજનું કાસળ કાઢશે ! સ્ત્રીઓનું તે વળી સ્વતંત્ર વ્યક્તિત્વ હોય ?
સખીઓ આ બંને સામસામા છેડાની વાતો છે અને બંને સમાજ માટે વિઘાતક છે. પ્રકૃતિએ સ્ત્રીઓને બાળકના જન્મ અને યોગ્ય ઉછેરની જે જવાબદારી સહજ રીતે આપી છે તેમાંથી આપણે છટકી શકીશું નહીં. સ્ત્રી પરિવારની ધરી સમાન છે. જો આપણે આપણી જગ્યાએથી હલ્યા તો સમગ્ર સમાજ વ્યવસ્થા ભાંગી પડશે અને ભારતીય સમાજની સ્થિતિ પણ વિદેશના સમાજ જેવી થશે જ્યાં કોઈ પરિવાર વ્યવસ્થા નથી. ૬૦થી ૭૦ ટકા બાળકો તો સિંગલ પેરેન્ટ્સ સાથે મોટા થાય છે. જેમાંથી મોટાભાગના તો જીવનમાં ફરી ક્યારેય પોતાનાં માતા પાસે ઉછરતાં હોય તો પિતાને કે પિતા પાસે ઉછરતાં હોય તો માતાને મળતાં જ નથી. એક વિચિત્ર પ્રકારની ભાવનાત્મક કંગાલિયતમાંથી તે આખોય સમાજ પસાર થઈ રહ્યો છે.
બીજી તરફ ખૂબ જ ઝડપથી પરિવર્તન પામી રહેલ સમાજમાં સ્ત્રીઓને માત્ર ચાર દીવાલોમાં બંધિયાર રાખવામાં આવશે તો બાળકોના ઉછેરમાં જુદા જુદા સમયે જે અલગ અલગ ભૂમિકા તેમણે નિભાવવાની હોય છે તેમાં સ્ત્રીઓ કદાચ ઊણી પણ ઊતરે. આજનાં બાળકો પોતાની માતામાં માત્ર આદર્શની જ વાતો કર્યા કરે તેવો સલાહકાર નહીં, પણ જીવનના દરેક તબક્કે પોતાના મનની સંવેદનાઓ સમજે. વર્તમાન પેઢીના અલગ જ માનસિક સંઘર્ષો વચ્ચે એક મિત્રની જેમ યુગાનુકૂલ સલાહ આપે એવો સાથી શોધે છે. સખીઓ એક બાબત સ્પષ્ટ છે કે, ભૂતકાળ કરતાં પણ આજે તમારા બાળકને તમારા યોગ્ય સંવેદનાપૂર્વકના માર્ગદર્શનની વધારે આવશ્યકતા છે અને જો જાગૃત ન રહીએ તો આ ભૂમિકા નિભાવવી થોડી અઘરી છે.
આ તમામ બાબતોનો વિચાર કરીને ભારતીય પરિપ્રેક્ષ્યમાં આપણે આપણી દિશા નક્કી કરવી પડશે. બધી જ બહેનો માટે કોઈ એક જ પેકેજ લાગુ ન પાડી શકાય. દરેકની સ્થિતિ અલગ છે.
હજારો બહેનો એવી છે જેનાં બાળકો મોટાં થઈ ગયાં છે. પરિવાર હવે તેના પર પહેલાં જેટલો નિર્ભર નથી ત્યારે આવી બહેનો એક અલગ જ પ્રકારનો ખાલીપો અનુભવે છે. આવા સમયે તેને લાગે છે કે, “જે બાળકો ને પરિવાર માટે મેં મારી કારકિર્દી નેવે મૂકી તેને હવે મારા માટે સમય જ નથી ?”
સામે છેડે નોકરી કરતી અનેક બહેનો એવી છે જેને સતત એવું લાગે છે કે, પોતે પોતાનાં બાળકોને યોગ્ય સમય આપી શકતી નથી. આ બધાથી અલગ એક વર્ગ એવો પણ છે કે, જેમણે રાજીખુશીથી પરિવારને પ્રાધાન્ય આપી તેની પાછળ જ સંપૂર્ણ સમય ફાળવવાનું નક્કી કર્યું અને તેઓ પોતાના આ નિર્ણયથી અત્યંત ખુશ છે.
સખીઓ આપણી કેડી આપણે કંડારવી પડશે. આપણી સમજમાં અને આપણા સમાજમાં ગૃહકાર્ય કંઈ નથી કરતીની કેટેગરીમાં આવે છે, પરંતુ સખીઓ આ સમજ બદલવાની આવશ્યકતા છે. માત્ર ૧૧થી ૬ની નોકરી કરવાથી જ વ્યસ્ત રહેવાય અથવા તો આધુનિક કહેવાઈએ કે તો જ આપણો વિકાસ થયો ગણાય એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. ઘરની આવશ્યકતા ન હોય તો માત્ર ટાઈમપાસ માટે જ નોકરી કરવી જરૂરી નથી. તમારા પોતાના એવા કેટલાંક શોખ હશે એવી કેટલીક તમન્નાઓ હશે જે તમે કદાચ હજુ સુધી પૂરી ન પણ કરી શક્યા હો તો આપ એ દિશામાં પણ આગળ વધી શકો છો.
અનેક બહેનોને ઘણી કલાઓ સહજ હસ્તગત હોય છે. જેમ કે ક્લે મોડેલિંગ, કાગળનાં ફૂલો બનાવવા, વિવિધ હસ્તકલાઓ, વેસ્ટમાંથી બેસ્ટ, વિવિધ વાનગીઓ બનાવવી વગેરે. તમારી અંદર પણ આવી કોઈ વિશિષ્ટ કલાઓ છુપાયેલી હોય જેને મઠારવા તરફ તમે ક્યારેય ધ્યાન જ ન આપ્યું હોય તો આવી વિશિષ્ટતાઓને ઓળખી તેને સંવારો. શક્ય છે કે આ વિશેષતા જ તમારી આગવી ઓળખ બની શકે.
ઘણી બહેનો માત્ર સંતોષ ખાતર જ પોતાને મનગમતા સામાજિક કાર્ય સાથે જોડાયેલ હોય છે. જેવા કે જરૂરિયાતમંદોને ફ્રી કોચિંગ ક્લાસ, અંધાશ્રમના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ, માનસિક રીતે વિકલાંગોની શાળામાં સેવા આપવી, હોસ્પિટલની નિત્ય મુલાકાત લઈ દર્દીઓને મદદ કરવી વગેરે વગેરે.
અરીસા સામે બેસીને આપણી જાતને શોધવાનો પ્રયાસ કરીએ. ટાંકણું અને હથોડાથી આપણી જાતને કંડારી આપણા પરિવારને યોગ્ય માર્ગદર્શન અને સંસ્કાર આપી કંડારવાનો પ્રયત્ન કરીએ. આવો આપણી અંદર એક દીવો પ્રગટાવી સમાજને પ્રકાશિત કરીએ.
ફૂલ નહીં ચિનગારી હૈ
હમ ભારત કી નારી હૈ.

કોમ્પ્યુટર એઈડેડ લર્નિંગ પ્રોગ્રામ ( સિ. એ. એલ. પી.)
સામાન્ય કલ્પના : 
કોમ્પ્યુટર ઐડેડ લર્નિંગ પ્રોગ્રામ ( સિ.એ.એલ.પી. ) એક પરિસ્થિતિ એવી ઉભી કરે છે જ્યાં શીખવું અને માપવું એક ગમ્મત છે અને શીખવા માટે ની તકો ગ્રામ્ય તથા શહેરી બાળકો માટે સરખી હોય છે. સિઈએલપિ ની રજુઆત શરુઆતમાં ગ્રામીણ સરકારી પ્રારંભિક શાળાઓ ના ધોરણ ૧ થી ૭ માં બાળકોને આકર્શવા તથા ટકાવી રાખવા માટે શરુ કરવામાં આવી છે, સાથે સાથે રમતમાં શીખવું”, “મજા મજામાં આકરણીતથા બધા માટે સરખું જ્ઞાનની મદદથી ભણતરની ગુણવત્તા વધારી શકાય છે.

હેતુઓ અને કામગિરિ : 
સિ.એ.એલ. પ્રોગ્રામનું મુખ્ય હેતુ બાળકોને શાળામાં આકર્શવું, ટકાવી રાખવું અને એનીમેટેડ મલ્ટીમીડીયા આધારિત શિક્ષણ સામગ્રીની મદદથી ભણતરની ગુણવત્તા સુધારવું છે.મલ્ટીમીડીયાનાં લક્ષણોંના ઉપયોગથી ઉખાણાઓ, વાર્તાઓ, એનીમેટેડ ચિત્રો અને અરસ પરસ રમતો દ્વારા સિએએલપીનાં હેતુઓ પૂરા કરી શકાય છે. હાજરજવાબી, સ્વદક્ષતા અને સ્વાધીનતા, આ ત્રણ નિર્ણાયક વસ્તુઓ જે કોઇ પણ કાર્યને રમતમાં બદલી દે છે, જેમનું સમાવેશ સિએએલપિ માં કરવામાં આવ્યું છે, જેથી શિક્ષણ રમત લાગે છે. ચિત્રો, સંગીત અને વાર્તાઓ દ્વારા સિએએલપિ માં શિક્ષણ સ્વયં કરી શકાય છે. 

ફાયદાઓ :
·                            આ યોજનાથી ગ્રામ્ય વિસ્તારોમાં આઇ.ટી. શિક્ષણ માં ખાસ સુધારો થશે અને રાજ્યના આંકડાકીય ભેદ દૂર કરવામાં ઉપયોગી નીવડશે.
·                            શાળાઓમાં વિધ્યાર્થિઓ નો શિક્ષણમાં રસ વધશે જેથી શાળામાં હાજરી વધસે અને પરીક્ષામાં પરિણામ સુધરશે
·                            વર્ગમાં આઈ. ટી નાં ઉપયોગથી શીખવાડવાની પદ્ધતિમાં પણ સુધારો થશે
·                            વિદ્યાર્થી તથા શિક્ષકની શિખવવાની રીત અને ફળદ્રુપતામાં વધારો
·                            વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચસ્તરનું કોમ્પુટરનું શિક્ષણ સાથે ચાલુ રાખીને સારી રીતે તૈયાર કરવા.
·                             

આ પ્રવ્રુતિના મુખ્ય વિકલ્પો નીચે મુજબ છે :
·                            શિક્ષકો અને વિદ્યાર્થિઓને કોમ્પ્યુટરનો પરિચય કરાવવો.
·                            કોમ્પ્યુટર દ્વારા વિષયો શિખવાડવા.
·                            ભારે વિષયો માટે શૈક્ષણિક સોફ્ટ્વેર વાપરવા.
·                            સરકારી શાળાના વિદ્યાર્થીઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર અને વિશેષ શાળાના વિદ્યાર્થિઓ માટે શકય બનાવવુ.

પ્રારંભિક પ્રવ્રુત્તિ
વર્ષ ૨૦૦૩-૨૦૦૪ માં ૨૯૩૪ કોમ્પ્યુટરો મેળવવામાં આવ્યા હતા. આ કોમ્પ્યુટરો ૫૧૭ ઉચ્ચ પ્રાથમિક શાળામાં સ્થાપાવામાં આવ્યા હતા. આ કોમ્પ્યુટરોનુ વિભાજન નીચે પ્રમાણે છે.
જિલ્લા કક્ષાએ શાળામાં - ૧૦ કોમ્પ્યુટરો + ૧ પ્રિંન્ટર 
વિભાકીય કક્ષાની શાળામાં -૬ કોમ્પ્યુટરો + ૧ પ્રિંન્ટર
જૂથ કક્ષાની શાળામાં ૫ કોમ્પ્યુટરો + ૧ પ્રિંન્ટર
આ ચાલુ પ્રવાહમાં કોમ્પ્યુટરની પ્રયોગશાળાની સ્થાપના જિલ્લા કક્ષાએ ૨૫, વિભાકિય કક્ષાએ ૨૨૪ અને જૂથ કક્ષાએ ૨૬૮ કરવામાં આવી છે.
કોમ્પ્યુટરોની સ્થાપના બાદ શિક્ષકોને કોમ્પ્યુટર ઓપરેટરની પ્રાથમિક તાલિમ માટે એસ.એસ.એ ગુજરાતે ઇનટેલ સાથે જોડાણ કર્યુ છે.આ પ્રોગ્રામમાં ૫૧૭ આચાર્યઓએ એક દિવસ કોમ્પ્યુટરના ફાયદા અને ઉપયોગ જાણવા માટે ફાળવ્યો હતો. આ પછી તરત જ ૫૧૭ શિક્ષકોને ૧૦ દિવસ માટે કોમ્પ્યુટરના પાયાના ખ્યાલો, એમ.એસ, ઓફિસ, ઇંનટરનેટ વગેરે જાણવા તૈયાર કર્યા હતા.આ ૫૧૭ શિક્ષકો ઇંન્ટેલના ટ્રેનરો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ટી.ઑ.આર સાથે ઇંન્ટેલ દ્વારા ૫૧૭ શિક્ષકો દ્વારા સમાન કોર્સ સાથે વધુ ૧૦ શિક્ષકો ૧૦ દિવસની અન્દર તૈયાર કરશે.આ સાથે કુલ ૫૬૮૭ શિક્ષકો સમ્પુર્ણ રીતે તૈયાર થશે.
શિક્ષકોની તાલીમ પુર્ણ થયા બાદ તાલીમ લીધેલ શિક્ષકો પાઠ તૈયાર કરવા માટે પાવર પોઇંન્ટનો ઉપયોગ કરી શકશે.
આ પછીની પ્રક્રીયામાં આ ક્ષેત્રના વિકાસ માટે એસ.એસ.એ ગુજરાતે અજીમ પ્રેમજી ફાઉન્ડેંશન સાથે જોડાણ કર્યુ છે. આ માટે જુદા જુદા સ્તરે શ્રેણીબધ્ધ બેઠકો યોજાઇ હતી. અંતમાં ૨૩ મુદ્દદાનો પરીચય થયો કે જે પુરી રીતે ફાઉંન્ડેંશન દ્વારા તૈયાર થયો હતો જેમાં અંગ્રેજી અને હીન્દી માધ્યમનો સમાવેશ થયો હતો. સોફટવેરને સ્થાનિક સ્પર્શ આપવા માટે ૨૫ શિક્ષકોની મદદ લઇને લખાણના બધા જ ૨૩ ભાગોને ગુજરાતી ભાષામાં ફરીથી લખવામાં આવ્યા છે. અંતે ૨ થી ૩ વાર મૂલ્યાંકન બાદ આ ૨૩ ભાગ તૈયાર કર્યા..આ જ પ્રમાણે ૫૧૭ શાળાઓમાં પછીના શૈક્ષણિક સત્ર માટે અમલમાં મુક્યુ.આ માટે શિક્ષકોની તાલીમ વેકેશન ગાળામાં પુરી કરવામાં આવશે.
સન ૨૦૦૪-૨૦૦૫માં ૨૦૦ થીવધુ જૂથ કક્ષાની શાળાઓ ૧૦૦૦ કોમ્પ્યુટર ( શાળા દિઠ ૫ કોમ્પ્યુટર + ૧ પ્રિંટર) દ્વારા આવરી લેવામાં આવી હતી.ઉપર જણાવેલ સોફટ્વેર પણ આ ૨૦૦ શાળઓમાં અમલી બનાવવામાં આવશે.
સન ૨૦૦૪-૨૦૦૫માં આ પ્રકારાનો કાર્યક્રમ બી.ઓ.ઓ.ટ મોડેલ દ્વારા લાગુ કરવામાં આવ્યો. આ એજન્સીનો પરીચય હાર્ડવેરની સ્થાપના, વળતર, શૈક્ષણિક સ્તરે વિકાસ, શિક્ષકોની તાલિમ, સામગ્રી પહોચાડનાર વગેરે કાર્યો દ્વારા થાય છે. આ કાર્યકમ માટે ૫૦૦ શાળાઓ આવરી લેવામાં આવી છે.
પ્રશંસનીય પરિણામ જોતાં રાજ્ય સરકારે આ કાર્યક્રમ વિશાળ સ્તરે યોજવાનું નક્કી કર્યુ છે. રાજ્ય સરકારના શૈક્ષણિક ખાતાએ ૪૦૬૧ થી વધારે શાળાઓને આવરી લેવામાં આવી છે.

બાળકના અભ્યાસકીય સમય દરમિયાન તેના પર શિક્ષક અને વાલીની અસર વધુ પ્રમાણમાં જોવા મળે છે. શિક્ષણ આપવાનું કામ માત્ર શિક્ષકો કે શાળાનું જ નથી. તેની કેટલીક જવાબદારી વાલી અને કુટુંબની પણ છે. હા... અક્ષરજ્ઞાન આપવાની જવાબદારી શાળા પર છોડી શકાય, પણ માત્ર અક્ષરજ્ઞાન એ શિક્ષણ નથી. શિક્ષણ સાથે સંસ્કાર, મૂલ્યો, જ્ઞાન, વર્તન, વિચાર, વિકાસ જેવી ઘણી બાબતો સંકળાયેલ છે. માટે જ આ કામ માટે ઘર અને શાળા બંને સંયુક્ત રીતે જવાબદારી ઉપાડે તો સોનામાં સુગંધ ભળે.
અહીં વાલી મિત્રોને કેટલાક પ્રશ્નો... શું તમારું બાળક જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળાની અવારનવાર મુલાકાત લો છો ?તમારા બાળકને શિક્ષણ આપતા તમામ શિક્ષક અને આચાર્ય સામે મળે તો ઓળખી શકો ખરા ? તમારું બાળક કયા ધોરણમાં કયા વર્ગમાં ભણે છે ? તમારા બાળકની શાળા-કોલેજનો ફોન નંબર તમે જાણો છો ? તમારા બાળકની નોટબુક-પુસ્તકો જોઈને યોગ્ય ભાષામાં સલાહ કે પ્રોત્સાહન આપો છો ? બાળક માટેનું કોઈ સામયિક તમારા ઘરે આવે છે ? શાળામાં રૂબરૂ મળવા માટે બોલાવે તો સમયસર-નિયમિત જાવ છો ? વાલી મિટિંગમાં અચૂક ભાગ લો છો ? ક્યારેય શાળા કે શિક્ષકને સૂચન કરતો ફોન કે ચિઠ્ઠી લખી છે ? તમારા બાળકોના મિત્રો અને તેના વાલીને નજીકથી ઓળખો છો ? તમારા બાળકને દરરોજ કેટલો સમય આપો છો ? તેની સાથે બેસીને કેવા પ્રકારની કેટલી વાત કે ચર્ચા કરો છો ? (મમ્મી સમય આપે એટલે પપ્પા ન આપે તો ચાલે ? તો બાળક મોટું થઈને મમ્મીની સેવા કરે અને પપ્પાની સેવા ન કરે તો ચાલશે ને ?).
બાળક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતું હોય ત્યારે કેટલાક જાગૃત વાલી શાળાની મુલાકાત લેતા હોય છે, પણ તે બાળક જ્યારે હાઈસ્કૂલમાં આવે ત્યારે તેમની જાગૃતતા ઓછી થઈ જાય છે અને તે બાળક જ્યારે કોલેજમાં આવે ત્યારે પેલી ઓછી થયેલ જાગૃતતા નાશ પામી હોય છે. કદાચ વાલી માતા હશે કે હવે તો છોકરા મોટા થઈ ગયા. કોલેજમાં જઈને આપણે કોને શું પૂછવાનું કે જાણવાનું ? વાલી મિત્રો અહીં જ થાપ થાય છે. ખરેખર તો જેમ શાળામાં અવારનવાર મુલાકાત લઈને તમારા પાલ્ય વિશે જાણકારી મેળવતા હતા તેવી જ રીતે હાઈસ્કૂલ કે કોલેજમાં પણ જઈને જાણકારી મેળવવી તે દરેક જાગૃત વાલીની નિશાની છે. આ ફરજ જેટલી ચૂકશો તેટલું નુકસાન. આ ફરજ બજાવવામાં જેટલી જાગૃતતા તેટલો ફાયદો. બાળકમાં રહેલી શક્તિઓ અને ખામીઓની સૌથી વધુ જાણકારી વાલી અને શિક્ષકને જ હોય છે. શાળા-કોલેજમાં રૂબરૂ મુલાકાત લઈને તમારા બાળકની ખાસિયતો અને ખામી જાણી શકશો અને જણાવી શકશો. શાળા-કોલેજમાં પોતાના બાળક વિશે માત્ર જાણવા માટે નથી જવાનું, પણ સાથે જણાવવા પણ જવાનું છે. શિક્ષક તમને કેટલીક માહિતી આપે તમે શિક્ષકને કેટલીક માહિતી આપો. આમ બંને સાથે મળીને પ્રયત્ન કરશો તો બાળકમાં જોઈતું પરિવર્તન સહેલાઈથી અને ઝડપથી લાવી શકશો. માટે જ દરેક વાલી પોતાના બાળકના શિક્ષકોથી પરિચિત હોવો જ જોઈએ. વાલી અને શિક્ષક નજીક આવે તે માટે શાળા-કોલેજ કક્ષાએ કેટલાક પ્રયત્ન કરવા જોઈએ. આવા પ્રયત્નો કોઈ સંસ્થા ન કરતી હોય તો વાલીએ શાળા-કોલેજનું ધ્યાન દોરવું જોઈએ- આગ્રહ રાખવો જોઈએ. હા, કેટલીક શાળા-કોલેજો આ માટે પ્રયત્નશીલ હોય છે, પણ અફસોસ વાલી તરફથી પૂરતો પ્રતિસાદ મળતો નથી. પરિણામે શાળા-કોલેજને પ્રોત્સાહનને બદલે હતાશા જ મળે છે. અંતે ક્યારેક કોઈ શિક્ષક એવું નકારાત્મક પણ વિચારે કે જો વાલીને જ તેમના બાળકની ના પડી હોય તો આપણે શા માટે આટલા ઉધામા કરવા !
કેટલાક વાલી એવું માનતા હોય છે કે, મારા બાળક વિશે જેટલું હું જાણું છું તેટલું તેના શિક્ષક જાણતા ન હોય. મિત્રો અહીં જ તમારી ભૂલ થાય છે. બાળકને જો કોઈ સાચી રીતે ઓળખી શકે તેમ હોય તો તેના વાલી અને શિક્ષક બંને છે. વળી કેટલાક વાલીને શિક્ષક પર પૂરતો વિશ્વાસ પણ હોતો નથી. ત્યારે આવા વાલીને જણાવવાનું કે, હા... કોઈ શિક્ષક ભણાવવામાં નબળો હશે,ગુટકા ખાતો હશે, શાળામાં અનિયમિત આવતો હશે, આર્િથક રીતે દેવાદાર હશે... પણ એ શિક્ષક ક્યારેય ખોટી સલાહ કે સૂચના નહીં જ આપે. અરે તમે કોઈ શિક્ષકને અપમાનિત કર્યા હશે અને તમે તેની પાસે સલાહ લેવા જશો તો પણ તે ક્યારેય ખોટી સલાહ નહીં જ આપે. દરેક શિક્ષક પોતાની શક્તિ, જાણકારી અને માન્યતા મુજબ પૂરી નિઃસ્વાર્થ ભાવના સાથે સલાહ સૂચન આપશે. હા... ક્યારેક દિમાગ પર ગુસ્સો સવાર થયેલ હશે, પણ દિલ સચ્ચાઈથી ભરપૂર હશે. શિક્ષકની આ મહાનતા છે કે વાલી કે બાળક સલાહ માગવા આવે તો ક્યારેય ખોટી સલાહ આપતો નથી.
જાગૃત વાલી મિત્રોને એક સૂચન... ચોક્કસ વિષય કે બાબતના અનુભવી અને નિષ્ણાત વાલીએ શાળા-કોલેજમાં એક-બે મહિને એકાદ પિરિયડ લેવો જોઈએ. આવા દસેક વાલી જો કોઈ શાળા-કોલેજને મળી જાય તો બાળક, વાલી અને શાળાને પ્રોત્સાહન મળશે. આ માટે શાળા-કોલેજોએ પણ વાલીને આવકારવા જોઈએ. સાથે જાગૃત વાલીએ શિક્ષકના દરેક સારા પ્રયત્નો શિક્ષકોને બિરદાવવા જોઈએ. શિક્ષકની કોઈ સારી બાબત વિશે બાળક ઘરે વાત કરે તો તરત જ શાળા-કોલેજમાં ફોન કરીને કે પત્ર-ચિઠ્ઠી દ્વારા તે બાબતના અભિનંદન આપો. આમ સારા શિક્ષકને આદર આપવાની આળસ છોડો.
જાગૃત વાલી પાસે પોતાના બાળકના મિત્રોના નામ, સરનામાં અને મિત્રોની પ્રવૃત્તિની જાણકારી પણ હોવી જોઈએ, કારણ કે જેવો સંગ તેવો રંગ. તેમાં પણ કોલેજ કક્ષાએ અભ્યાસ કરતાં વિદ્યાર્થીના વાલીએ આ બાબતે ખાસ જાગૃત થવાની જરૂર છે. કોલેજમાં અભ્યાસ કરતાં બાળકોને પૂરતી સ્વતંત્રતા આપો, પણ આ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન પરિણમે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. વાલી મિત્રો, આવી અનેક બાબતમાં જાગૃતતા બતાવવામાં જ તમારું અને તમારા બાળકનું હિત સમાયેલું છે. અંતે બાળકના અભ્યાસ કે સંસ્કાર પાછળ પૂરતો સમય નહીં આપીને પૈસા કમાવા પાછળ સમય આપવામાં માનતા વાલીને ભવિષ્યમાં પસ્તાવું જ પડશે. પૈસા કમાવા પાછળ ગાંડી ઘેલછા એ ટૂંકા ગાળાનું અને સામાન્ય કક્ષાનું લક્ષ્ય કહેવાય. જે તાત્કાલિક સિદ્ધ થતાં આનંદ થાય છે, ગમે છે કેટલોક સંતોષ પણ આપે છે. જ્યારે બાળક પાછળ આપેલો સમય એ લાંબાગાળાનું અને મોટું લક્ષ્ય છે. જે સિદ્ધ થતાં ખૂબ જ સમય લાગે. જેનો આનંદ કે સંતોષ અત્યારે ન જ મળે. જે માટે ધીરજની જરૂર છે. આ ધીરજ અને વિશ્વાસ રાખીને જે વાલી પોતાના બાળક માટે સમય આપશે તો તેમનું અને તેમના બાળકનું ભવિષ્ય ખૂબ જ ઉચ્ચ કક્ષાનું હશે. જ્યારે આજે ટોળટપ્પા કરવામાં કે પોતાના શોખ સંતોષવામાં કે પૈસાની લાલચે પૈસા પાછળ પડનારનું ભવિષ્ય કાયમી ધોરણે સામાન્ય કક્ષાનું જ રહેશે. તેને ક્યારેય પોતાની જાતથી કે પોતાના બાળકથી પૂર્ણ સંતોષ નહીં જ મળે. આ બાબત જ્યારે વાલીની સમજમાં આવશે ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હશે. તેના ભાગે પસ્તાવા સિવાય કોઈ જ રસ્તો નહીં હોય.