Wednesday 13 June 2012


બાળકના અભ્યાસકીય સમય દરમિયાન તેના પર શિક્ષક અને વાલીની અસર વધુ પ્રમાણમાં જોવા મળે છે. શિક્ષણ આપવાનું કામ માત્ર શિક્ષકો કે શાળાનું જ નથી. તેની કેટલીક જવાબદારી વાલી અને કુટુંબની પણ છે. હા... અક્ષરજ્ઞાન આપવાની જવાબદારી શાળા પર છોડી શકાય, પણ માત્ર અક્ષરજ્ઞાન એ શિક્ષણ નથી. શિક્ષણ સાથે સંસ્કાર, મૂલ્યો, જ્ઞાન, વર્તન, વિચાર, વિકાસ જેવી ઘણી બાબતો સંકળાયેલ છે. માટે જ આ કામ માટે ઘર અને શાળા બંને સંયુક્ત રીતે જવાબદારી ઉપાડે તો સોનામાં સુગંધ ભળે.
અહીં વાલી મિત્રોને કેટલાક પ્રશ્નો... શું તમારું બાળક જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળાની અવારનવાર મુલાકાત લો છો ?તમારા બાળકને શિક્ષણ આપતા તમામ શિક્ષક અને આચાર્ય સામે મળે તો ઓળખી શકો ખરા ? તમારું બાળક કયા ધોરણમાં કયા વર્ગમાં ભણે છે ? તમારા બાળકની શાળા-કોલેજનો ફોન નંબર તમે જાણો છો ? તમારા બાળકની નોટબુક-પુસ્તકો જોઈને યોગ્ય ભાષામાં સલાહ કે પ્રોત્સાહન આપો છો ? બાળક માટેનું કોઈ સામયિક તમારા ઘરે આવે છે ? શાળામાં રૂબરૂ મળવા માટે બોલાવે તો સમયસર-નિયમિત જાવ છો ? વાલી મિટિંગમાં અચૂક ભાગ લો છો ? ક્યારેય શાળા કે શિક્ષકને સૂચન કરતો ફોન કે ચિઠ્ઠી લખી છે ? તમારા બાળકોના મિત્રો અને તેના વાલીને નજીકથી ઓળખો છો ? તમારા બાળકને દરરોજ કેટલો સમય આપો છો ? તેની સાથે બેસીને કેવા પ્રકારની કેટલી વાત કે ચર્ચા કરો છો ? (મમ્મી સમય આપે એટલે પપ્પા ન આપે તો ચાલે ? તો બાળક મોટું થઈને મમ્મીની સેવા કરે અને પપ્પાની સેવા ન કરે તો ચાલશે ને ?).
બાળક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતું હોય ત્યારે કેટલાક જાગૃત વાલી શાળાની મુલાકાત લેતા હોય છે, પણ તે બાળક જ્યારે હાઈસ્કૂલમાં આવે ત્યારે તેમની જાગૃતતા ઓછી થઈ જાય છે અને તે બાળક જ્યારે કોલેજમાં આવે ત્યારે પેલી ઓછી થયેલ જાગૃતતા નાશ પામી હોય છે. કદાચ વાલી માતા હશે કે હવે તો છોકરા મોટા થઈ ગયા. કોલેજમાં જઈને આપણે કોને શું પૂછવાનું કે જાણવાનું ? વાલી મિત્રો અહીં જ થાપ થાય છે. ખરેખર તો જેમ શાળામાં અવારનવાર મુલાકાત લઈને તમારા પાલ્ય વિશે જાણકારી મેળવતા હતા તેવી જ રીતે હાઈસ્કૂલ કે કોલેજમાં પણ જઈને જાણકારી મેળવવી તે દરેક જાગૃત વાલીની નિશાની છે. આ ફરજ જેટલી ચૂકશો તેટલું નુકસાન. આ ફરજ બજાવવામાં જેટલી જાગૃતતા તેટલો ફાયદો. બાળકમાં રહેલી શક્તિઓ અને ખામીઓની સૌથી વધુ જાણકારી વાલી અને શિક્ષકને જ હોય છે. શાળા-કોલેજમાં રૂબરૂ મુલાકાત લઈને તમારા બાળકની ખાસિયતો અને ખામી જાણી શકશો અને જણાવી શકશો. શાળા-કોલેજમાં પોતાના બાળક વિશે માત્ર જાણવા માટે નથી જવાનું, પણ સાથે જણાવવા પણ જવાનું છે. શિક્ષક તમને કેટલીક માહિતી આપે તમે શિક્ષકને કેટલીક માહિતી આપો. આમ બંને સાથે મળીને પ્રયત્ન કરશો તો બાળકમાં જોઈતું પરિવર્તન સહેલાઈથી અને ઝડપથી લાવી શકશો. માટે જ દરેક વાલી પોતાના બાળકના શિક્ષકોથી પરિચિત હોવો જ જોઈએ. વાલી અને શિક્ષક નજીક આવે તે માટે શાળા-કોલેજ કક્ષાએ કેટલાક પ્રયત્ન કરવા જોઈએ. આવા પ્રયત્નો કોઈ સંસ્થા ન કરતી હોય તો વાલીએ શાળા-કોલેજનું ધ્યાન દોરવું જોઈએ- આગ્રહ રાખવો જોઈએ. હા, કેટલીક શાળા-કોલેજો આ માટે પ્રયત્નશીલ હોય છે, પણ અફસોસ વાલી તરફથી પૂરતો પ્રતિસાદ મળતો નથી. પરિણામે શાળા-કોલેજને પ્રોત્સાહનને બદલે હતાશા જ મળે છે. અંતે ક્યારેક કોઈ શિક્ષક એવું નકારાત્મક પણ વિચારે કે જો વાલીને જ તેમના બાળકની ના પડી હોય તો આપણે શા માટે આટલા ઉધામા કરવા !
કેટલાક વાલી એવું માનતા હોય છે કે, મારા બાળક વિશે જેટલું હું જાણું છું તેટલું તેના શિક્ષક જાણતા ન હોય. મિત્રો અહીં જ તમારી ભૂલ થાય છે. બાળકને જો કોઈ સાચી રીતે ઓળખી શકે તેમ હોય તો તેના વાલી અને શિક્ષક બંને છે. વળી કેટલાક વાલીને શિક્ષક પર પૂરતો વિશ્વાસ પણ હોતો નથી. ત્યારે આવા વાલીને જણાવવાનું કે, હા... કોઈ શિક્ષક ભણાવવામાં નબળો હશે,ગુટકા ખાતો હશે, શાળામાં અનિયમિત આવતો હશે, આર્િથક રીતે દેવાદાર હશે... પણ એ શિક્ષક ક્યારેય ખોટી સલાહ કે સૂચના નહીં જ આપે. અરે તમે કોઈ શિક્ષકને અપમાનિત કર્યા હશે અને તમે તેની પાસે સલાહ લેવા જશો તો પણ તે ક્યારેય ખોટી સલાહ નહીં જ આપે. દરેક શિક્ષક પોતાની શક્તિ, જાણકારી અને માન્યતા મુજબ પૂરી નિઃસ્વાર્થ ભાવના સાથે સલાહ સૂચન આપશે. હા... ક્યારેક દિમાગ પર ગુસ્સો સવાર થયેલ હશે, પણ દિલ સચ્ચાઈથી ભરપૂર હશે. શિક્ષકની આ મહાનતા છે કે વાલી કે બાળક સલાહ માગવા આવે તો ક્યારેય ખોટી સલાહ આપતો નથી.
જાગૃત વાલી મિત્રોને એક સૂચન... ચોક્કસ વિષય કે બાબતના અનુભવી અને નિષ્ણાત વાલીએ શાળા-કોલેજમાં એક-બે મહિને એકાદ પિરિયડ લેવો જોઈએ. આવા દસેક વાલી જો કોઈ શાળા-કોલેજને મળી જાય તો બાળક, વાલી અને શાળાને પ્રોત્સાહન મળશે. આ માટે શાળા-કોલેજોએ પણ વાલીને આવકારવા જોઈએ. સાથે જાગૃત વાલીએ શિક્ષકના દરેક સારા પ્રયત્નો શિક્ષકોને બિરદાવવા જોઈએ. શિક્ષકની કોઈ સારી બાબત વિશે બાળક ઘરે વાત કરે તો તરત જ શાળા-કોલેજમાં ફોન કરીને કે પત્ર-ચિઠ્ઠી દ્વારા તે બાબતના અભિનંદન આપો. આમ સારા શિક્ષકને આદર આપવાની આળસ છોડો.
જાગૃત વાલી પાસે પોતાના બાળકના મિત્રોના નામ, સરનામાં અને મિત્રોની પ્રવૃત્તિની જાણકારી પણ હોવી જોઈએ, કારણ કે જેવો સંગ તેવો રંગ. તેમાં પણ કોલેજ કક્ષાએ અભ્યાસ કરતાં વિદ્યાર્થીના વાલીએ આ બાબતે ખાસ જાગૃત થવાની જરૂર છે. કોલેજમાં અભ્યાસ કરતાં બાળકોને પૂરતી સ્વતંત્રતા આપો, પણ આ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન પરિણમે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. વાલી મિત્રો, આવી અનેક બાબતમાં જાગૃતતા બતાવવામાં જ તમારું અને તમારા બાળકનું હિત સમાયેલું છે. અંતે બાળકના અભ્યાસ કે સંસ્કાર પાછળ પૂરતો સમય નહીં આપીને પૈસા કમાવા પાછળ સમય આપવામાં માનતા વાલીને ભવિષ્યમાં પસ્તાવું જ પડશે. પૈસા કમાવા પાછળ ગાંડી ઘેલછા એ ટૂંકા ગાળાનું અને સામાન્ય કક્ષાનું લક્ષ્ય કહેવાય. જે તાત્કાલિક સિદ્ધ થતાં આનંદ થાય છે, ગમે છે કેટલોક સંતોષ પણ આપે છે. જ્યારે બાળક પાછળ આપેલો સમય એ લાંબાગાળાનું અને મોટું લક્ષ્ય છે. જે સિદ્ધ થતાં ખૂબ જ સમય લાગે. જેનો આનંદ કે સંતોષ અત્યારે ન જ મળે. જે માટે ધીરજની જરૂર છે. આ ધીરજ અને વિશ્વાસ રાખીને જે વાલી પોતાના બાળક માટે સમય આપશે તો તેમનું અને તેમના બાળકનું ભવિષ્ય ખૂબ જ ઉચ્ચ કક્ષાનું હશે. જ્યારે આજે ટોળટપ્પા કરવામાં કે પોતાના શોખ સંતોષવામાં કે પૈસાની લાલચે પૈસા પાછળ પડનારનું ભવિષ્ય કાયમી ધોરણે સામાન્ય કક્ષાનું જ રહેશે. તેને ક્યારેય પોતાની જાતથી કે પોતાના બાળકથી પૂર્ણ સંતોષ નહીં જ મળે. આ બાબત જ્યારે વાલીની સમજમાં આવશે ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હશે. તેના ભાગે પસ્તાવા સિવાય કોઈ જ રસ્તો નહીં હોય.

No comments:

Post a Comment