Wednesday 13 June 2012

સ્વામી વિવેકાનંદ


આદર્શ માનવનું નિર્માણ સ્વામી વિવેકાનંદ


[1] ભૂલો અને નિષ્ફળતાઓ એ છૂપા દૈવી ભોમિયા છે
આપણું સંચાલન બળ આપણા વિચારો જ છે. મનમાં શ્રેષ્ઠ વિચારોને અપનાવો. રાતદિવસ એવા ઉત્તમ વિચારો જ સાંભળો અને કાયમ એનું મનન કરો. નિષ્ફળતાની ચિંતા કરો નહીં. એ તો સ્વાભાવિક છે. નિષ્ફળતા જીવનની શોભા છે. એના વગર જીવનમાં શું મજા ? જો જીવનમાં સંઘર્ષો ન આવે તો જીવન ફિક્કું લાગે. એના સિવાય જીવન કાવ્યમય ક્યાંથી થાય ? ભૂલ થાય તો પરવા નહીં. મેં હજી ગાયને જૂઠું બોલતાં સાંભળી નથી. પણ એ તો ગાય છે, માણસ નથી. માટે આવી નિષ્ફળતાઓના પ્રસંગો સાંપડે તો મૂંઝાવું નહીં. તમારો આદર્શ હજારો વાર ફરી ફરી લક્ષમાં રાખો અને ભલે હજાર વાર નિષ્ફળ પામો, તોય ફરી એક વાર પ્રયત્ન કરો.
સંપૂર્ણ રીતે ખરાબ હોય એવું કશું જ ન હોય. ઈશ્વરની જેમ જ શયતાનને પણ સ્થાન છે. એમ ન હોય તો અનિષ્ટ ક્યાંથી સંભવે ? એ જ રીતે આપણી ભૂલોને પણ સ્થાન છે. તમને એમ જણાય કે તમારી કાંઈ ભૂલ થઈ છે, તો પાછું વાળીને જુઓ નહીં, આગળ વધો ! શું તમને નથી લાગતું કે તમે આજે જે કાંઈ છો તે પાછળની ભૂલોના અનુભવ વગર બની શક્યા હોત ? તો પછી તમારી ભૂલોને વધાવી લો. એ તો તમારા માટે જાણે દૈવી માર્ગદર્શક હતી. દુ:ખ પણ વધાવી લો, સુખ પણ ભલે પધારે. તમારી શી પરિસ્થિતિ થાય છે તેની પરવા ન કરો. આદર્શને પકડી રાખો. આગેકદમ ! નાની નાની બાબતો, નિષ્ફળતાઓને ભૂલોને ગણકારો નહીં. આપણા જીવનરૂપી યુદ્ધના મેદાનમાં ભૂલોની ડમરી ઊડવાની જ. જે લોકો એટલા બધા નાજુક, કાયર હોય કે આ ડમરી સહન ન કરી શકે, તો એમને આપણી હરોળમાંથી તગડી મૂકો.

[2] તમારા દૈવી અંશને ઓળખો
એક વાર હું હિમાલયમાં ફરતો હતો અને અમારી સામે લાંબો રસ્તો પડ્યો હતો. અમે રહ્યા સાધુઓ. એટલે અમારે ચાલીને જ જવું પડે. અમને ઊંચકનાર કોણ મળે ? અમારી સાથે એક વૃદ્ધ સાધુ પણ હતા. આ લાંબો રસ્તો તો માઈલો સુધી ઉતાર-ચઢાણવાળો છે. પેલા વૃદ્ધ સાધુએ આ જોયું ને કહ્યું : મહારાજ ! આ કેમ પાર થશે ? હું તો એક ડગલું પણ આગળ ચાલી શકું તેમ નથી. મારી છાતી ફાટી જશે.એટલે મેં કહ્યું : જરાક તમારા પગ તળે જુઓ.એમણે નીચે જોયું એટલે મેં કહ્યું : જે રસ્તો નીચે છે એ તો તમે પાર કરી ચૂક્યા છો ને ! તમારી આગળ એ જ રસ્તો પડ્યો છે. ચાલવા માંડો એટલે એ રસ્તો પણ કપાઈ જશે.દુનિયાની મહાનમાં મહાન વસ્તુ તમારા પગમાં છે. કારણ કે તમે તો દૈવી સિતારા છો. એટલે બધું જ તમારા કાબૂમાં છે. અરે તમે ધારો તો મુઠ્ઠી ભરીને તારાઓ પણ ઓહિયાં કરી જાઓ એવું તમારું ખરું સ્વરૂપ છે. બળવાન બનો. વહેમને ફગાવી દો. સ્વતંત્ર, બંધનમુક્ત થઈ જાઓ.
[3] દરેક કાર્ય આનંદથી અપનાવો
જે માણસ પોતાની નાની નાની મુશ્કેલીઓ બાબત કકળાટ કરે છે તે બધી જ બાબતોમાં રોદણાં રોયા જ કરશે. આમ જ કાયમ રોદણાં રોનારનું જીવન દુ:ખથી ભરાઈ જાય છે; દરેક કામમાં નિષ્ફળતા જ સાંપડશે. પણ જે માણસ પોતાની ફરજ બજાવતો આગળ વધે છે, સ્વાશ્રયી બને છે, તેનો પંથ ઉજ્જ્વળ બનશે અને વધારે શ્રેષ્ઠ કાર્યો કરવા ભાગ્યશાળી બનશે. જે માણસ કામના પરિણામ તરફ નજર રાખી બેઠો છે એ તો પોતાને જે કામ સોંપ્યું છે તેની ફરિયાદ કર્યા જ કરશે. પણ જે માણસ નિ:સ્પૃહી છે એને તો બધાં જ કાર્ય સરખાં જ લાગે છે. અને એવો માણસ દરેક કાર્યને પોતાનામાં રહેલા સ્વાર્થ-વાસના ઈત્યાદિ દુર્ગુણોને હણવાનું હથિયાર બનાવી પોતાના આત્મા માટે મોક્ષનું સાધન બનાવે છે.
જે કચકચિયો છે એને તો બધાં જ કામ અણગમતાં જ લાગે છે, એને શેમાંય સંતોષ નથી દેખાતો; એનું આખુંયે જીવન એક નિષ્ફળતા જ બની રહે છે. આપણે કામ કરતા રહીએ, જે ફરજ આપણે માથે આવે તે બજાવતા જઈએ અને હંમેશાં આપણો સહકાર આપવા તત્પર રહીએ તો પછી જરૂર આપણને પ્રકાશ સાંપડશે. કોઈ કામ નાનું નથી. મોટામાં મોટો મૂર્ખ માનવી પણ પોતાને મનગમતું કામ હોય તો પાર પાડી શકે છે. પણ ખરો બુદ્ધિશાળી માણસ તો એ છે કે દરેક કામને પોતાને મનગમતું બનાવી લે છે. આ દુનિયામાં દરેક કામ વડનાં બી જેવું છે. એ બીજ સાવ નાનું હોય છે, છતાં એમાં આખો વડ સમાયેલ છે. જે માણસ આ વાત સમજે છે એ જ ખરેખર બુદ્ધિશાળી છે. અને આવો માણસ દરેક કામને ખરેખર મહાન કરી બતાવે છે.
[4] બીજાનો દોષ કાઢો નહીં, તમારી જાતને જ તપાસો
આપણે એ સમજવું જ જોઈએ કે જ્યાં સુધી કોઈ બાબતની અસર થવા યોગ્ય ભૂમિકા આપણે આપીએ નહીં, ત્યાં સુધી એની અસર થાય જ નહીં. જ્યાં સુધી મારું શરીર રોગને અપનાવવા જેવી હાલતમાં ન હોય ત્યાં સુધી મને રોગ અડકી શકે જ નહીં. રોગ કાંઈ અમુક કીટાણુઓથી જ થાય છે એવું નથી. પણ રોગ થવા માટે શરીરમાં અમુક પ્રકારની પૂર્વતૈયારી થાય તો જ રોગ આવે. જે વસ્તુ માટે લાયક હોઈએ તે જ આપણને આવી મળે છે. અભિમાન છોડીને આપણે સમજવું પડશે કે જે મુશ્કેલીઓ આવી પડે છે તે આપણે જ વાવેલી હોય છે. અયોગ્ય ઘા કદી પડતો જ નથી. એવું એકેય અનિષ્ટ નથી કે જે મારે પોતાને હાથે વાગ્યું ન હોય, આ સમજવાની જરૂર છે.
પોતાની જાતનું અવલોકન કરો તો જણાશે કે જે જે ફટકા તમને પડે છે એનું નિમિત્ત પણ તમે પોતે જ છો. અર્ધું અનિષ્ટ તમે જ પેદા કર્યું. સમાજે બાકીનું પૂરું કરી દીધું અને એ ફટકારૂપે આવી પડ્યું ! આ સમજાશે ત્યારે જ આપણે કંઈક ઠંડા પડશું અને સાથોસાથ આ અવલોકનના પરિણામે આશાનું કિરણ ઝળકશે; એ આશાનું કિરણ એ સમજ છે કે બહારની દુનિયા ઉપર મારો કશો જ કાબૂ નથી. પણ જે મારી અંદર છે, મારી પોતાની વિચારસૃષ્ટિ છે એના ઉપર તો મારો કાબૂ છે. નિષ્ફળતા નિપજાવવા માટે બાહ્ય જગત અને હું એમ બેય જવાબદાર હોઈએ, મને ફટકો મારવામાં આ બંનેની સહિયારી જવાબદારી હોય, પછી હું મારા તરફથી તો કશો જ ભાગ આ ક્રિયામાં ભજવું નહીં તો ફટકો કેવી રીતે ઉદ્દભવે ? જો હું મારી જાત ઉપર ખરેખરો કાબૂ મેળવી શકું તો મારા ઉપર ઘા પડી શકે જ નહીં.
માટે તમારી નિષ્ફળતા માટે બીજાને દોષિત ઠરાવો નહીં, તમે ઊભા થઈ તમારી જાત ઉપર જ આ જવાબદારી લાદો. તમે કહો કે આ જે દુ:ખ હું પામી રહ્યો છું એનો સર્જક હું પોતે જ છું અને એથી સાબિત થાય છે કે એનો નિકાલ મારે પોતે જ કરવાનો છે.જે મેં નિર્માણ કર્યું છે તે હું ભાંગી શકું છું પણ જે બીજાએ બનાવ્યું છે તે તોડી શકું નહીં. માટે ઊભા થાઓ, મર્દ બનો, મજબૂત બનો. બધી જ જવાબદારી તમારે શિરે લઈ લો; સમજો કે તમારા પ્રારબ્ધનું ઘડતર ઘડનાર તમે પોતે જ છો. માટે તમે પોતે જ તમારા ભાવિનું નિર્માણ કરો. જે બની ગયું તે બની ગયું. એ ભૂતકાળને ભૂલી જાવ. તમારી સામે અનંત ભાવિ પડ્યું છે. તમારે સદાય યાદ રાખવું કે દરેક શબ્દ, દરેક વિચાર અને દરેક કાર્ય તમારા માટે એક ભંડાર સર્જી રહે છે. જેમ ખરાબ વિચાર અને ખરાબ કર્મો તમારી ઉપર વાઘની માફક તરાપ મારવા તૈયાર જ રહે છે તેવી જ રીતે સારા વિચારો, સારાં કાર્યો હજારો ફિરસ્તાઓની શક્તિથી તમારું રક્ષણ કરવા સદાય તૈયાર ઊભાં છે.
[5] શ્રેષ્ઠ ચારિત્ર્ય કેવી રીતે ઘડવું
માણસ જાણે કે એક કેન્દ્ર છે અને સમગ્ર સૃષ્ટિની શક્તિઓ પોતાના તરફ આકર્ષે છે. આ કેન્દ્રમાં એનો સમન્વય કરી ફરી પાછી એ શક્તિના સ્ત્રોત વહાવે છે. સારું-ખરાબ, સુખ-દુ:ખ આ બધું માનવકેન્દ્ર તરફ ઘસડાઈ આવે છે. એને વીંટળાઈ વળે છે. એમાંથી જ એ ચારિત્ર્યનો મહાન પ્રવાહ યોજે છે તેમ જ બહાર વહાવે છે. જેમ એનામાં કોઈ પણ શક્તિનું આકર્ષણ કરવાની તાકાત છે તે જ રીતે શક્તિનું વિતરણ કરવાની ક્ષમતા પણ એનામાં છે. જો કોઈ માણસ હંમેશાં ખરાબ શબ્દો જ સાંભળે, ખરાબ વિચારો કર્યા કરે, તો એના મનમાં ખરાબ સંસ્કારો એકઠા થશે અને એને ખબર પણ ન પડે એવી રીતે એના વિચારો અને કામ ઉપર એ સંસ્કારો ખરાબ અસર કરશે. ખરું તો એ છે કે આ ખરાબ સંસ્કારો હંમેશાં કામ કરતા જ રહે છે ને એનું પરિણામ પણ ખરાબ જ આવે, અને એ માણસ પણ ખરાબ બની રહે. એમાં એનું કંઈ ન ચાલે. આ કુસંસ્કારોનો સરવાળો એના મનમાં દુષ્કૃત્યો કરવાની જોરદાર શક્તિ પેદા કરી એવી જ પ્રેરણા આપશે. આવા કુસંસ્કારોનું એ યંત્ર બની રહેશે અને એ કુસંસ્કારો એને ખરાબ કામ કરવાની ફરજ પાડશે.
આવી જ રીતે જો માણસ સદવિચારોનું સેવન કરે અને સારાં કૃત્યો કરે, તો ફળસ્વરૂપે એના મનમાં સારા સંસ્કારો અંકિત થશે. એ સુસંસ્કારો એ જ રીતે એનાથી ઉપરવટ થઈને પણ એના હાથે સત્કર્મો જ કરાવશે. જ્યારે એક માણસે ખૂબ જ સત્કર્મો કર્યા હોય, ખૂબ જ સદવિચારો સેવ્યા હોય, ત્યારે એનામાં એનાથી ઉપરવટ જઈને પણ સારાં કામ કરવાનું અસાધારણ વલણ ઉત્પન્ન થશે. એ કદાચ હલકું કામ કરવા ધારે તોયે એના મનમાં સારા સંસ્કારોનો એટલો જથ્થો હશે કે જે એને ખરાબ કામ કરવા જ નહીં દે; એના સંસ્કારો જ એને રોકશે. કારણ કે એ માણસ સુસંસ્કારોના સંપૂર્ણ કાબૂમાં છે. જ્યારે આમ બને ત્યારે કહેવાય કે એવા માણસનું સદચારિત્ર્ય દઢ થયું છે. એક માણસ પિયાનો બજાવવા માંડે ત્યારે પ્રથમ બરાબર ધ્યાન રાખી એક એક પાસો દબાવે. પછી આમ વારંવાર કર્યા કરવાથી એનેય ટેવ પડી જાય. પછી તો કોઈ પણ સૂરાવલિ સરળતાથી બજાવી શકે છે. એક એક પાસો દબાવવા તરફ ધ્યાન દેવું જ પડતું નથી. એ જ પ્રમાણે આપણા જીવનમાં આપણે જે જાતની વૃત્તિઓ રાખીએ છીએ તે આપણા ભૂતકાળના સભાનતાથી કરાયેલા પ્રયાસનું ફળ છે.

No comments:

Post a Comment