Wednesday 13 June 2012

મા તે મા બીજા બધા વનવગડાના વા


મા એ તો તું અત્યારે છો જ, પરંતુ ગૃહિણી કે માની સાથે સાથે અન્ય કંઈ બનવાનું તું કેમ નથી વિચારતી ?”
ન્યૂયોર્ક બેસ્ટ સેલરમાં સામેલ થતાં એક પુસ્તકમાંથી વાંચેલો એક પ્રસંગ મને ખૂબ જ હૃદયસ્પર્શી અને પ્રેરણાસ્પદ લાગ્યો. કેરિયરને મહત્ત્વ આપવું કે, પરિવારને પ્રાથમિકતા આપવી આવી અવઢવમાં ફસાયેલ પોતાના અસ્તિત્વની સમાજને અનુભૂતિ કરાવવા મથતી ભારતની યુવા સખીઓને ચોક્કસ આ વાર્તામાંથી સંદેશ મળશે.
રાત્રીના સમયે બાળકો માટે પથારી તૈયાર કરી રહેલ એક માતાને અચાનક જ બહુ સહજતાથી તેની સાત-આઠ વર્ષની બાળકીએ પ્રશ્ન કર્યો કે, મા તમે મોટા થઈને શું બનવાનું પસંદ કરશો ? મા ને લાગ્યું કે, બાળક રમતમાં જ પ્રશ્ન કરે છે તેથી તેણે જવાબ પણ એટલી જ સહજતાથી આપ્યો કે, “હું મોટી થઈને મા બનવાનું પસંદ કરીશ.બાળકે મક્કમતાથી કહ્યું કે, મા તો તું અત્યારે છો જ બીજું શું બનવું છે તારે ? બાર-તેર વર્ષના સફળ લગ્નજીવન બાદ અચાનક જ આવા પ્રશ્નનો જવાબ શોધવો મા માટે થોડો મુશ્કેલ હતો. લગ્ન બાદ તેણે પોતાના વિશે અલગથી તો ક્યારેય વિચાર્યું જ ન હતું, પરંતુ હવે મા એ બાળકીના પ્રશ્નને જરા ગંભીરતાથી લઈ વિચાર કરીને જવાબ આપ્યો કે, “હું મોટી થઈને ગૃહિણી બનવાનું પસંદ કરીશ.
બાળકીએ નિરાશા સાથે ફરી પ્રશ્ન કર્યો કે, “મા એ તો તું અત્યારે છો જ, પરંતુ ગૃહિણી કે માની સાથે સાથે અન્ય કંઈ બનવાનું તું કેમ નથી વિચારતી ?” બાળકીએ સહજ રીતે કરેલ આ ટકોર કે પ્રશ્નએ તે મહિલાની વિચાર કરવાની પદ્ધતિ એક સ્ત્રી તરીકે પોતાના તરફના તેના વલણમાં સંપૂર્ણપણે પરિવર્તન લાવી દીધું.
વાર્તાની લેખિકા કહે છે કે, “જીવનમાં પહેલી વાર મને અનુભવ થયો કે એક મા કે ગૃહિણીની સાથે સાથે મારું પોતાનું એક અલગ અસ્તિત્વ હોઈ શકે. આ બધી જવાબદારીઓની સાથે સાથે પણ હું અન્ય કંઈક બનવા વિશે વિચારી શકું, ઘર પરિવારની જવાબદારી એટલે પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વનો અંત એવું નથી એવો અહેસાસ મને પહેલી વખત થયો.
સખીઓ આપણા દરેકના જીવનમાં આ સમસ્યા ક્યારેક ને ક્યારેક આવે છે. આપણો સમાજ હાલ સામાજિક પરિવર્તનના એક અલગ જ મકામ પર આવીને ઊભો છે. આજની યુવતીઓને બહુ દૃઢપણે એવું લાગે છે કે, જો હું લગ્નના બંધનમાં બંધાઈશ તો આટલી મહેનત અને સંઘર્ષ પછી કારકિર્દીના જે મકામ પર હું ઊભી છું તે રોળાઈ જશે.
સામે પક્ષે સમાજમાં એક બહુ મોટો વર્ગ દૃઢપણે આજે પણ એવું માને છે કે, સ્ત્રીઓએ ઘર પરિવાર અને રસોઈથી આગળ વિચારવાનું જ શું હોય ? સ્ત્રીઓ જો ઘરની બહાર નીકળી તો સમાજનું કાસળ કાઢશે ! સ્ત્રીઓનું તે વળી સ્વતંત્ર વ્યક્તિત્વ હોય ?
સખીઓ આ બંને સામસામા છેડાની વાતો છે અને બંને સમાજ માટે વિઘાતક છે. પ્રકૃતિએ સ્ત્રીઓને બાળકના જન્મ અને યોગ્ય ઉછેરની જે જવાબદારી સહજ રીતે આપી છે તેમાંથી આપણે છટકી શકીશું નહીં. સ્ત્રી પરિવારની ધરી સમાન છે. જો આપણે આપણી જગ્યાએથી હલ્યા તો સમગ્ર સમાજ વ્યવસ્થા ભાંગી પડશે અને ભારતીય સમાજની સ્થિતિ પણ વિદેશના સમાજ જેવી થશે જ્યાં કોઈ પરિવાર વ્યવસ્થા નથી. ૬૦થી ૭૦ ટકા બાળકો તો સિંગલ પેરેન્ટ્સ સાથે મોટા થાય છે. જેમાંથી મોટાભાગના તો જીવનમાં ફરી ક્યારેય પોતાનાં માતા પાસે ઉછરતાં હોય તો પિતાને કે પિતા પાસે ઉછરતાં હોય તો માતાને મળતાં જ નથી. એક વિચિત્ર પ્રકારની ભાવનાત્મક કંગાલિયતમાંથી તે આખોય સમાજ પસાર થઈ રહ્યો છે.
બીજી તરફ ખૂબ જ ઝડપથી પરિવર્તન પામી રહેલ સમાજમાં સ્ત્રીઓને માત્ર ચાર દીવાલોમાં બંધિયાર રાખવામાં આવશે તો બાળકોના ઉછેરમાં જુદા જુદા સમયે જે અલગ અલગ ભૂમિકા તેમણે નિભાવવાની હોય છે તેમાં સ્ત્રીઓ કદાચ ઊણી પણ ઊતરે. આજનાં બાળકો પોતાની માતામાં માત્ર આદર્શની જ વાતો કર્યા કરે તેવો સલાહકાર નહીં, પણ જીવનના દરેક તબક્કે પોતાના મનની સંવેદનાઓ સમજે. વર્તમાન પેઢીના અલગ જ માનસિક સંઘર્ષો વચ્ચે એક મિત્રની જેમ યુગાનુકૂલ સલાહ આપે એવો સાથી શોધે છે. સખીઓ એક બાબત સ્પષ્ટ છે કે, ભૂતકાળ કરતાં પણ આજે તમારા બાળકને તમારા યોગ્ય સંવેદનાપૂર્વકના માર્ગદર્શનની વધારે આવશ્યકતા છે અને જો જાગૃત ન રહીએ તો આ ભૂમિકા નિભાવવી થોડી અઘરી છે.
આ તમામ બાબતોનો વિચાર કરીને ભારતીય પરિપ્રેક્ષ્યમાં આપણે આપણી દિશા નક્કી કરવી પડશે. બધી જ બહેનો માટે કોઈ એક જ પેકેજ લાગુ ન પાડી શકાય. દરેકની સ્થિતિ અલગ છે.
હજારો બહેનો એવી છે જેનાં બાળકો મોટાં થઈ ગયાં છે. પરિવાર હવે તેના પર પહેલાં જેટલો નિર્ભર નથી ત્યારે આવી બહેનો એક અલગ જ પ્રકારનો ખાલીપો અનુભવે છે. આવા સમયે તેને લાગે છે કે, “જે બાળકો ને પરિવાર માટે મેં મારી કારકિર્દી નેવે મૂકી તેને હવે મારા માટે સમય જ નથી ?”
સામે છેડે નોકરી કરતી અનેક બહેનો એવી છે જેને સતત એવું લાગે છે કે, પોતે પોતાનાં બાળકોને યોગ્ય સમય આપી શકતી નથી. આ બધાથી અલગ એક વર્ગ એવો પણ છે કે, જેમણે રાજીખુશીથી પરિવારને પ્રાધાન્ય આપી તેની પાછળ જ સંપૂર્ણ સમય ફાળવવાનું નક્કી કર્યું અને તેઓ પોતાના આ નિર્ણયથી અત્યંત ખુશ છે.
સખીઓ આપણી કેડી આપણે કંડારવી પડશે. આપણી સમજમાં અને આપણા સમાજમાં ગૃહકાર્ય કંઈ નથી કરતીની કેટેગરીમાં આવે છે, પરંતુ સખીઓ આ સમજ બદલવાની આવશ્યકતા છે. માત્ર ૧૧થી ૬ની નોકરી કરવાથી જ વ્યસ્ત રહેવાય અથવા તો આધુનિક કહેવાઈએ કે તો જ આપણો વિકાસ થયો ગણાય એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. ઘરની આવશ્યકતા ન હોય તો માત્ર ટાઈમપાસ માટે જ નોકરી કરવી જરૂરી નથી. તમારા પોતાના એવા કેટલાંક શોખ હશે એવી કેટલીક તમન્નાઓ હશે જે તમે કદાચ હજુ સુધી પૂરી ન પણ કરી શક્યા હો તો આપ એ દિશામાં પણ આગળ વધી શકો છો.
અનેક બહેનોને ઘણી કલાઓ સહજ હસ્તગત હોય છે. જેમ કે ક્લે મોડેલિંગ, કાગળનાં ફૂલો બનાવવા, વિવિધ હસ્તકલાઓ, વેસ્ટમાંથી બેસ્ટ, વિવિધ વાનગીઓ બનાવવી વગેરે. તમારી અંદર પણ આવી કોઈ વિશિષ્ટ કલાઓ છુપાયેલી હોય જેને મઠારવા તરફ તમે ક્યારેય ધ્યાન જ ન આપ્યું હોય તો આવી વિશિષ્ટતાઓને ઓળખી તેને સંવારો. શક્ય છે કે આ વિશેષતા જ તમારી આગવી ઓળખ બની શકે.
ઘણી બહેનો માત્ર સંતોષ ખાતર જ પોતાને મનગમતા સામાજિક કાર્ય સાથે જોડાયેલ હોય છે. જેવા કે જરૂરિયાતમંદોને ફ્રી કોચિંગ ક્લાસ, અંધાશ્રમના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ, માનસિક રીતે વિકલાંગોની શાળામાં સેવા આપવી, હોસ્પિટલની નિત્ય મુલાકાત લઈ દર્દીઓને મદદ કરવી વગેરે વગેરે.
અરીસા સામે બેસીને આપણી જાતને શોધવાનો પ્રયાસ કરીએ. ટાંકણું અને હથોડાથી આપણી જાતને કંડારી આપણા પરિવારને યોગ્ય માર્ગદર્શન અને સંસ્કાર આપી કંડારવાનો પ્રયત્ન કરીએ. આવો આપણી અંદર એક દીવો પ્રગટાવી સમાજને પ્રકાશિત કરીએ.
ફૂલ નહીં ચિનગારી હૈ
હમ ભારત કી નારી હૈ.

No comments:

Post a Comment